Friday, March 19, 2010

નકસલવાદ

નકસલવાદ
નકસલવાદ નામ ઉત્તર બંગાળના તાલુકા- નકસલબાડી પરથી પડયું છે કારણ કે આ પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થઇ. આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસવું તે આપણા સમાજ અને આપણી સરકારની આદત છે. ભારતમાં નકસલવાદનો જન્મ ૧૯૬૯માં થયો અને ૧૯૮૦થી તો આ ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તિઓ ઝારખંડ, ઓરિસ્સા, મઘ્યપ્રદેશમાં જૉરશોરથી ચાલવા લાગી. પણ ડુંગરાળ, જંગલછાયા વિસ્તારમાં, ગરીબ આદિવાસીઓ અને ગામડાઓની સમસ્યા પર કોઇએ ઘ્યાન આપ્યું નહીં. ૨૦૦૬માં વડાપ્રધાન મનમોહનસિંધે નકસલવાદી સંસ્થાઓને ભારતની સૌથી મોટી અને સૌથી ઘાતક સમસ્યા ગણાવી. નકસલવાદ નામ ઉત્તર બંગાળના તાલુકા- નકસલબાડી પરથી પડયું છે કારણ કે આ પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થઇ. પણ આજે આ વિસ્તારમાં નકસલવાદનું નામોનિશાન રહ્યુંં નથી. જમીનદારી નાબૂદીના સરકારી કાયદાને ઘોળીને પી જનારા જમીનદારો (જૉતેદારો)ની જુલમગારી સામે ખેતમૂજરો અને ગણોતિયાઓની સશસ્ત્ર બળવાખોરીની આગેવાની માકર્સવાદી પક્ષના આગેવાનો- કનુ સંન્યાલ અને ચારૂ મઝુમદારે લીધી (૧૯૬૯), આ બંને પકડાયા, જેલમાં ધકેલાયા અને ગુજરી ગયાં. પણ ગરીબોને ત્રાસ આપનાર શ્રીમંતો, જંગલનાં ઠેકેદારો અને સરકારી તંત્ર-ખાસ કરીને પોલીસો સામેની આ જેહાદ આંધ્રમાં, બિહારમાં, ઓરિસ્સામાં ફેલાવા લાગી. અત્યારે ઝારખંડ છે તે વિસ્તારમાં પગ જમાવીને નકસલવાદી જૂથો ચોતરફ ફેલાવા લાગ્યા અને આજે નેપાળની સરહદથી માંડીને કણાટર્ક સુધીનાં આઠ રાજયો-બિહાર, ઉત્તરપ્રદેશ, બંગાળ, ઓરિસ્સા, આંધ્ર, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને ઝારખંડમાં નકસલવાદીઓની રાડ લાગે છે.ભારતના અડધો અડધ જિલ્લાઓમાં આ જૂથો ઓછા વધતાં અંશે સક્રિય છે. તાજેતરમાં લાલગઢના નકસલવાદી આગેવાને કહ્યું તેમ બંગાળના ૫,૦૦૦ ગામડાંમાં ભારત સરકારનું નહીં પણ નકસલીઓનું રાજ ચાલે છે. ઝારખંડ, ઓરિસ્સામાં તો અસંખ્ય ગામડાંઓ તેમનાં તાબામાં છે. નકસલવાદીઓની ફોજી તાકાતના આંકડા કોઇ પાસે નથી પણ તેમની પાસે ૧૫,૦૦૦ કેળવાયેલા સ્વયંસેવકો છે. આધુનિક શસ્ત્રો છે. એક જમાનામાં નિવૃત્ત અફસરો તેમને લશ્કરી તાલીમ આપતા હતા. હવે તો અમારા નિષ્ણાતો હોવાથી અમારે કોઇની જરૂર નથી. તેવું ગયા અઠવાડિયે ઝારખંડના આગેવાને કહ્યુંં છે. જંગલમાં, ગામડાંમાં વેરવિખેર પથરાયેલાં પોલીસ થાણાંઓ પર દરોડા પાડીને નકસલીઓ હથિયારો લૂંટી જાય છે. પોલીસે પકડેલા સાથીઓને છોડાવવા માટે જેલ પર હલ્લાઓ કરવામાં આવે છે. શહેરી અને શ્રીમંત વર્ગના લોકો, સરકાર અને પોલીસોના ત્રાસથી પરેશાન શોષિત વર્ગ નકસલવાદનાં મજબૂત ટેકેદારો છે. બંગાળ સરકારે લાલગઢ વિસ્તારમાં તેમની સામે લડવાનો પ્રયાસ કર્યોપણ પોલીસોએ માર ખાઇને પાછા હઠવું પડયું. ભારત સરકાર સફાળી જાગી ઊઠી છે. અને રાજયોના ચુનંદા પોલીસો, કેન્દ્ર સરકારના અનામત પોલીસ દળ, સરહદ સુરક્ષા દળ અને કમાન્ડો આ બધા મળીને કુલ ૬૦,૦૦૦ને ખાસ તાલીમ આપીને નકસલવાદના સમૂળા ઉરછેદ માટેનું અભિયાન શરૂ થયું છે, પણ લશ્કર વાપરવામાં નહીં આવે અને પોલીસ દળોને લઇ જનાર લશ્કરી વિમાનો-હેલિકોપ્ટરો પર હલ્લો ન થાય ત્યાં સુધી હવાઇ દળ પોતાના હથિયાર નહીં વાપરે. આ પોલીસ દળ ગોઠવાઇ રાા છે અને નકસલવાદીઓને ચોતરફથી ધેરી લઇને ભીંસી નાખવાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. શસ્ત્રો મૂકીને શરણે આવી જાવ અથવા ખતમ થવા માટે તૈયાર રહો તેવી ચેતવણી ગૃહમંત્રી ચિદમ્બરમે તેમની આપી છે. જીવ સટોસટની આ લડાઇમાં નકસલવાદીઓએ પહેલો ઘા સવા લાખનો ગણીને હલ્લો શરૂ કર્યોછે. ઓરિસ્સામાં, ઝારખંડમાં અને છેલ્લે મહારાષ્ટ્રના ગઢચીરોળી વિસ્તારમાં સંખ્યાબંધ પોલીસોનાં ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. ભારત સરકારની લશ્કરી તાકાત સામે નકસલવાદીઓ કેટલો વખત ઝીંક ઝીલી શકશે તે કહેવાનું મુશ્કેલ છે પણ આ વેરાન અને વંકા વિસ્તારમાંથી નકસલવાદીઓનો પગ ઉખેડી નાખવાનું કામ સહેલું નથી. સરખામણી કરીએ તે ગેરવાજબી કહેવાય પણ ૧૯૪૮માં આંધ્રના તેલંગાણા વિસ્તારમાં બી.ટી. રણદીવેની આગેવાની તળે સામ્યવાદીઓએ સમાંતર સરકાર સ્થાપીને ૨,૦૦૦ ગામડાં પર રાજ ચલાવેલું. તેમને ઉખેડી કાઢવા માટે લશ્કર વાપરવું પડેલું અને આ વિસ્તારમાં દોઢ વરસ લશ્કરી રાજ સ્થાપવું પડયું હતું. આજની પરિસ્થિતિ વધારે ખરાબ છે. નકસલવાદીઓ સરકાર સામે લડે છે. પોલીસો અને સરકારી અમલદારોને ધુત્કારી કાઢે છે. હથિયાર વાપરે છે. શ્રીમંતોને લૂંટે છે. પોલીસ ખબરીયા હોય તેવા આદિવાસીઓને વીણી વીણીને મારી નાખે છે અને તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે. લુંટફાટ ચલાવે છે, જેલો તોડે છે. આ બધું ખરું છે, પણ નકસલવાદીઓ સામાન્ય ચોર કે લુંટારા નથી. પોતાના અંગત સ્વાર્થ માટે પ્રજાને રંજાડનાર ડાકુ કે બહારવટિયા નથી. તેમના તમામ આગેવાનો સુશિક્ષિત છે. દા. વિનાયક સેન જેવા લોકસેવકો તેમના પ્રશંસકો છે. ઘણા ખરાં નકસલી આગેવાનો- કોલાડ ગાંધી અને તેમનાં સ્વર્ગસ્થ પત્ની અનુરાધાબહેન કુટુંબની શ્રીમંતાઇને લાત મારીને આ પંથમાં જૉડાયા છે અને ગરીબ, અશિક્ષિત લોકોને સરકારી અને પોલીસ ત્રાસ ભોગવવો પડે છે તેનાં વિરોધમાં જેહાદ ચલાવે છે. આ વિસ્તારોમાંથી અન્યાય, શોષણખોરી અને ઉજળિયાતોનો ત્રાસ ઓછો ન થાય ત્યાં સુધી નકસલવાદને જડમૂળથી ઉખેડી શકાય તે અસંભવ છે. અત્યારના નકસલીઓ અને તેમની લશ્કરી ટુકડીઓને ખતમ કરી નાખવાનું અઘરું નથી પણ અન્યાય નિવારણ ન થાય તો થોડા સમયાંતરે, ઓછા વધતા પ્રમાણમાં એક યા બીજા રૂપે હિંસાખોર વિરોધ પેદા થયાં સિવાય રહેવાનો નથી.



No comments:

Post a Comment